કાચબો અને સસલાની વાર્તા આપણે સૌ નાનપણથી જ સાભંળતા આવ્યા છીએ, પણ જો સાંચુ કહું તો આ વાર્તા સાંભળવાથી કોઇને પણ જીવનમાં પ્રેરણા મળવાને બદલે બધા લોકો ને કંટાળો ઉપજાવે છે. સાંચું ને… પરંતુ હું અહિં આ વાર્તાને એક નવા સ્વરૂપમાં રજૂ કરું છું. ત્યારના જમાના પ્રમાણે જુઓ તો તેમાં પણ ઘણાં બધાં સૂત્રો છુપાયેલા છે પરંતુ તે જમાના સાથે બદલાયા જાય છે તેમ તે હવે કોઇ ને નવું નથી લાગતું તેથી આજ ના જમાના પ્રમાણે તેમાં સુઘારા-વઘારા સાથે એક નવી વાર્તા જે તમને આ જમાના પ્રમાણે સફળતાનો રસ્તો બતાવશે.

 

એક વખત કાચબા અને સસલા વચ્ચે સ્પર્ધા થઇ. સસલાએ વિચાર્યુ કે આ ઢીલો કાચબો ઝડપથી તો કંઇ દોડી શકવાનો નથી તો લાવ ને ત્યાં સુધી થોડો આરામ કરી લવ. સસલું આત્મવિશ્વાસના અતિરેકમાં થોડે દૂર સુધી દોડીને સૂઇ ગયું અને કાચબો ધીમે – ધીમે ચાલીને પોતાના ધ્યેય સુધી પહોંચી ગયો.

 

જીવન સાર :

તમે તમારી આસપાસ ના ધણાં તમારા એવા મીત્રોને જાણતા હશો જે એક સમયે તમારી સાથે સ્કુલમાં એક બેંચ પર સાથે બેસતા હતાં, સાથે ધીંગા-મસ્તી કરતાં હતાં, સાથે લેકચર માંથી બંક મારતાં હતા. સાંચુ ને??? તેમાંથી તમારો કોઇ જોડે આજે પણ સંપર્ક હશે અને કોઇ જોડે નહિ હોઇ. જેના વિશે તમે કયારેય વિચાર્યુ પણ નહિ હોય કે તેઓ પ્રગતિ કરશે તેમ છતાં તેઓ આજે જે-તે ક્ષેત્રેની ટોચ ઉપર છે. તેનાથી બિલકુલ વિરુધ્ધ કેટલાક લોકો એવા પણ હશે જેમની સફળતા ચોક્કસ હોવા છતાં આજે પણ તેઓ જયાં હતા ત્યાં જ છે. તો મિત્રો, આ વાર્તાનો સાર તમને નવા જમાના પ્રમાણે સમજાઇ ગયો હશે એવી આશા રાખુ છું. જો સમજાઇ ગયો હોય તો આપણી વાર્તા ને આગળ વઘારું…

 

સસલાંની આખી નાત ઘણાં વર્ષોથી શરમ અનુભવતી હતી, સમાજમાં પોતાની મોઢું ઉંચું કરી ને ચાલી શકતી ના હતી. જો ભુલથી પણ કોઇ બહાર નીકળે તો સમાજ ના મહેંણા સાંભળ્વા પડતા હતાં કે સાલાઓ એક કાચબાથી હારી ગયાં. તેથી બધાં સસલાંઓને જગલમાં સંતાઇને ફરવું પડતું હતું. આથી બધા સસલાંઓએ સાથે મળી ને એક દિવસ જંગલમાં એક સમેલન નું આયોજન કર્યુ અને બધાં સસલાંઓએ નક્કિ કર્યુ કે તેઓ કાચબાઓ જોડે બદલો લેશે અને તેમાંથી એક સસલાંને તેમનો સરદાર બનાવવાંમાં આવ્યો. આ વાતની જાણ કાચબાઓને થઇ જાતા તેમાંથી પણ એક કાચબાંને તેમનો સરદાર બનાવવાંમાં આવ્યો. બીજા દિવસથી તેઓ બધાં જંગલમાં આમને સામને આવી ગયા. બન્ને સરદારો આગળ આવ્યા અને ફરી એક વખત તેમની વચ્ચે દોડવાની સ્પર્ધામાં કાચબાઓને લલકાર્યા પણ આ વખતે કાચબાનાં સરદારે દોડવા માટેની ના ફરમાવી દીધી, કારણ કે કાચબો હોશિયાર હતો અને દુરનું વિચારતો હતો.

 

જીવન સાર :

એક વખત શકિતશાળી દુશ્મન તમારાથી હારી જાય તો પણ અભિમાન ન કરશો, કારણ કે નસીબ કાયમ સાથ નથી આપતું અને દુશ્મન કાયમ ભુલ નથી કરતો.

 

સસલાની નાતવાળાઓએ માનહાનીનો કોર્ટમાં દાવો કર્યો, હડતાલ પાડી અને લોકમત મેળ્વીને કાચબાને ફરી દોડાવા માટે લાચાર બનાવી દીધો.

 

બુધ્ધિશાળી કાચબાએ શરત મૂકી કે આ વખતે દોડવાનો રસ્તો હું નક્કી કરીશ. સસલાં તૈયાર થઇ ગયાં. નક્કી થયેલા સમયે ફરી એક વખત દોડ શરૂ થઇ. સસલાંએ વિચાર્યુ કે રસ્તો નક્કી કરવાથી શું વળશે? ઝડપથી દોડીએ એ જ મહત્વનું છે. કાચબાએ પોતાની આગવી બુધ્ધિ વાપરીને રેસનો રસ્તો બનાવ્યો કે વચમાં પાણીનું એક નાળું આવે.

 

જીવન સાર :

જયારે કોઇ કામ કાયમ કરવાનું નક્કિ થાય ત્યારે પોતાની, આગવી લાક્ષણીકતાઓને ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવો.

 

આ વખતે સસલાએ નિયમ લીધો હતો કે ભલે ગમે તે થઇ જાય પણ તે રસ્તામાં કયાંય રોકાશે નહિ. સસલું ઝડપથી દોડયું, દોડતાં-દોડતાં અચાનક સસલું ગભરાઇને ઊભું રહી ગયું, સામે જોયુ તો પાણીથી ભરેલું નાળું હતું. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યુ કે કાચબો આટલી બુધ્ધિશાળી ચાલ ચાલશે. ફરી વખત હાર અને અપમાનની કલ્પના કરીને સસલું ડરી ગયું. નિરાશા, હતાશા અને ચુપ થયેલા સસલાંના મોંમાંથી શબ્દ નીકળ્વાના બંધ થઇ ગયા.

 

જીવન સાર :

કાયારેય તમારા દુશ્મન કે ધ્યેયને નબળા ને મૂર્ખ ન સમજશો, જો તમે ચાલ ચલી શકતા હો તો તેઓ પણ ચાલ ચલી શકે છે.

 

સસલુંતો ગભરાઇને નાળાના કિનારે બેસી ગયું કારણ કે તેને તરતાં નહોતું આવડતું. એટલામાં કાચબો ત્યાં પહોંચ્યો અને સસલાને જોઇને હસી પડયો. સસલાંની આંખો શરમથી ઝૂકી ગઇ હતી. તેણે હાર સ્વીકારી લીધી હતી. તેઓ એક બીજાને જોઇ રહ્યાં હતાં ત્યાં તો ત્યાં સિંહ આવી પહોંચ્યો. સિંહને ખ્યાલ પણ ન હતો કે આજે પણ તેમની વચ્ચે દોડ ચાલી રહી છે અને ગુસ્સામાં કહેવા લાગ્યો કે હું જંગલનો રાજા છું છતાં પણ મારી વાત કોઇ મંચ પર કહેતું નથી અને તમે સાલાઓ નાની અમથી દોડના કારણે તમારી વાત દરેક મંચ પર કહેવામાં આવે છે અને દરેક પુસ્તકોમાં છપાય છે. તો આજે તમે બન્ને મારી સાથે દોડો નહિંતર અહિં જ હું તમને મારી નાખીશ. જેથી કાલે સવારે તમારી વાતો મંચ પર થતી બંધ થઇ જાય અને મારી વાત થવા લાગે કે જંગલના રાજા સિંહે તેઓ ને મારી નાખ્યાં. જેમ, શાહજહાએ તાજમહેલ બનાવીને મજુરોના હાથ કાપી નાખ્યાં હતાં. ત્યારે કાચબા અને સસલએ એવો નિર્ણય લીધો કે દોડયા વગર મરવું એના કરતાં દોડીને જીતવાનો પ્રયત્ન કરવો.

 

જીવન સાર :

જયારે મુશ્કેલીઓ તમારી સામે હોય ત્યારે હિંમત હારીને સમર્પણ કરવા કરતાં છેલ્લી ઘડી સુધી સંઘર્ષ કરવો. કોણ જાણે કયારે સ્થિતિ બદલાઇ જાય.

 

સસલા અને કાચબાએ કહ્યું, મહારાજ અમે તો નાના છીએ, જીતતો તમારી જ થવાની છે. ફકત અમારી તો એક જ ઇચ્છા છે કે રસ્તો અમે પસંદ કરીએ. સિંહે માથું હલાવી ને કહ્યું કે – સારું.

 

ફરીથી દોડ જૂની જગ્યાથી શરૂ થઇ. નાળા સુધી કાચબો સસલાની પીંઠ પર બેસીને ઝડપથી આવી પહોંચ્યો. નાળા પાસેથી સસલું કાચબાંની પીઠ પર બેસી ગયું, કાચબો સસલાંને લઇને ચૂપચાપ તરતો-તરતો નીકળી ગયો અને સિંહ કિનારે પોતાની હાર ઉપર ગુસ્સે થઇને કિનારા પર જ બેસી રહ્યો, કારણ કે સિંહ ખુબ જ તાકાતવાળો હોવા છતાં તરવાની યોગ્યતા ધરાવતો નથી.

 

જીવન સાર :

  • કોઇ વ્યક્તિ ઊંચી કે ઝડપી હોય એનો અર્થ એવો નથી કે તે જ જીતશે.
  • જયારે દુશ્મન શક્તિશાળી હોય ત્યારે ટીમ બનાવીને મુકાબલો કરો.
  • જો તમારી ખામી બીજાની ખુબી હોય અને બીજા ની ખામી તમારી ખુબી હોય તો તેનો ફાયદો ઉંઠાવો.

 

આવા સામાન્ય સુત્રો ને પણ જો તમારા જીવનમાં ઉતારશો તો ફાયદો જ થશે અને સફળતાની સીડી પર પગ મુકી ને ચાલવા લાગશો.